ગુજરાતના પાટીદારો આર્યકુળના વંશજ છે. એક સંશોધન પ્રમાણે આર્યપ્રજા મધ્ય એશિયામાં વસ્તી હતી, કાળાંતરે આ આર્યપ્રજા જુદી-જુદી ટુકડીઓમાં મૂળ સ્થાનથી સ્થળાંતર કરે છે. ઈ.સ. પૂર્વે ૩૦૦૦ આસપાસ પ્રથમ ટુકડી યુરોપ તરફ રવાના થઇ. બીજી ટુકડી ઈરાન તરફ અને ત્રીજી ટુકડી અફઘાનિસ્તાન થઇ પંજાબમાં આવી હતી. ઇતિહાસવિદ્ પુરુષોત્તમ પરીખ લખે છે તેમ હિન્દનો અસલ ચિતાર જાણવા માટે આપણી પાસે આધારભૂત ગ્રંથો-વેદો હતા. આપણો પ્રથમ વેદ ઋગ્વેદ ઈ.સ. પૂર્વે ૧૨૦૦ માં લખાયો છે. ‘ભરતખંડ’ – ભારતદેશની સીમાઓ ઉત્તર દિશામાં આજના હિમાલયના બદલે મધ્ય એશિયા સુધી વિસ્તરેલી હશે અને પશ્ચિમમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી હોવા સંભવ છે. ઋગ્વેદના મંત્રો ઉપરથી જણાય છે કે, આર્યોએ અફઘાનિસ્તાનના પ્રદેશમાં પ્રાચીન કુંભા (કાબુલ) નદી પાસે ઘણા લાંબા કાલ સુધી શાંતિપૂર્વક નિવાસ કર્યો છે. તદઉપરાંત તે સમયે અને તે જ સ્થાનેથી વેદના મંત્રોની લેખનશૈલી શરૂ થયેલી માનવામાં આવે છે જેમાં વેદમાંની કેટલીક ઋચાઓમાં કુંભા (કબુલા) કુમુ(કુરમ) અને ગોમતી (ગોમલ) નદીઓ વિશેના ઉલ્લેખો સાંપડે છે, (આ નદીઓ અફઘાનિસ્તાનમાં આવેલી છે) ત્યારબાદ તેઓ તે પ્રદેશથી આગળ વધી પશ્ચિમમાં પંજાબ તરફ ફેલાવા લાગ્યા. જેમાં સિંધુ નદી, સતદ્ર (સતલજ), પીપાસા (બીઆસ), પુરુષર્ણ (ઈરાવતી-રાવી), અસીકી કે ચંદ્રભાગા (ચિનાબ) અને વીતરતા (જેલમ) વગેરે નદીઓના વર્ણનો આલેખા છે.
ઋગ્વેદના અભ્યાસીઓ લખે છે કે, આર્યપ્રજા અફઘાનિસ્તાનથી ખૈબરઘાટના રસ્તે પંજાબમાં આવી વસે છે. ત્યાં ક્રમે-ક્રમે પૂર્વ તરફ ગંગા-જમનાના રસાળ પ્રદેશમાં બિહાર તથા બંગાળ સુધી વિસ્તરી. આર્યપ્રજા પંજાબમાં વસ્તી ત્યારે ઈ.સ. પૂર્વે ૨૫૦૦ આસપાસ ચાર વર્ણમાં વહેંચાયેલી હતી. ૧) બ્રાહ્મણ ૨) ક્ષત્રિય ૩) વૈશ્ય ૪) શુદ્ર
આ વર્ણવ્યવસ્થામાં ક્ષત્રિયોના ત્રણ પેટા વિભાગો હતા.
૧. રાજાન:- જેઓ નાની-નાની ટોળકીઓના આગેવાન હતા અને તે પોતાને રાજા કહેવડાવતા અને નાના ગામડાઓનું રક્ષણ કરતા.
૨. ક્ષત્રિય:- જેઓ યુદ્ધના સમયે બારેમાસ લડવાનું કામ કરતા અને રાજાઓન મદદ કરતા.
૩. કૂર્મી ક્ષત્રિય:- જેઓ શાંતિના સમયમાં સપ્તસિંધુના ફળદ્રુપ પ્રદેશમાં ખેતી કરતા અને બહારના આક્રમણ સમયે યુદ્ધમાં રાજાને લડાઈમાં મદદ કરતા.
આ ત્રીજા વિભાગના કૂર્મીઓમાંથી કણબી પાટીદારોનો ઉદભવ થયો હોવાનું પ્રમાણ વધુ દ્રઢ બને છે કારણ કે આ ત્રીજા વિભાગના કૂર્મીઓ ફળદ્રુપ પ્રદેશોની શોધમાં અને સુખ-શાંતિથી જીવન વિતાવવામાં માનનારા હતા.
કૂર્મી શબ્દનો અર્થ -
સંસ્કૃત શબ્દ કોશ મુજબ કૂર્મી શબ્દનો અર્થ નીચે મુજબ છે….
कूर्म भू : = પૃથ્વી , अस्यास्तीति कूर्म = ભૂપતિ, પૃથ્વીપતિ, અર્થાત જેની પાસે જમીન – ભૂમિ હોય તે કણબી.
कूर्म = वीर्यम् = रसम् = શક્તિ अस्यास्तीति कूर्म = વીર્યવાન, શકિતવાન માણસ.
મહાભારતના આદિપર્વ પ્રમાણે બ્રહ્માજીની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી થઇ. બ્રહ્માજીના દસ માનસપુત્રો પૈકી છ ઋષીઓ હતા. આ છ ઋષીઓ પૈકી એક “કાશ્યપ” ઋષિ હતા. “કાશ્યપે” બધી પ્રજા ઉત્પન્ન કરી એટલે પાટીદારોનું ગૌત્ર પણ કશ્યપ જ છે. કૂર્મી અને કાશ્યપ એક જ શક્તિ અને વ્યક્તિના નામ છે.
અર્થાત્ કૂર્મ-કશ્યપ માનવજાતિના આદિપુરુષ હતા. કૂર્મનો શાબ્દિક અર્થ, ‘કાર્યશીલ’ અને કશ્યપ નો શાબ્દિક અર્થ ‘દ્રષ્ટા’ છે. કાર્યશીલતા અને દૂરદર્શિતાના બળ પર પરમાત્માએ સૃષ્ટિની રચના કરી એટલા માટે તેમને કુર્મી અને કશ્યપ કહેવામાં આવે છે. શતપથ બ્રાહ્મણગ્રંથમાં પણ કહ્યું છે કે, ‘આ સૃષ્ટી કર્તાનું નામ કૂર્મ છે.’ સૃષ્ટી અને પ્રજાનું પાલન કરતા હોવાથી તેને પ્રજાપતિ તરીકે ઓળખવામાં આવે છે. – તેનાથી ઉત્પન્ન થયેલી પ્રજા કૂર્મ કે કૂર્મી તરીકે ઓળખાઈ.
કૂર્મી – કણબીઓના બે ભાગ -
આગળ આપણે જોઈ ગયા તે મુજબ કૂર્મીપ્રજા અફઘાનિસ્તાન થઈ પંજાબમાં પ્રવેશે છે અને ત્યાં જુદાં-જુદાં વિસ્તારોમાં ફેલાય છે. ઈ.સ.પૂર્વે ૨૦૦૦ની આસપાસ આ કૂર્મીઓ પંજાબના ‘ગુજરાવાલા’ પ્રાંતના ‘કરડ’ અથવા ‘કરડવા’ અને ‘લેયા’ વિસ્તારમાં વિસ્તરે છે.
(સમજુતિ:- કૂર્મીઓ ઈ.સ.પૂર્વે ૨૦૦૦ ની આસપાસમાં પંજાબના ‘ગુજરાવાલા’ પ્રાંતના ‘કરડવા’ અને ‘લેયા’-પ્રદેશમાં વિસ્તરે છે. આ વિસ્તાર એટલે હાલ પાકિસ્તાનનો લાહોરથી પૂર્વદિશાનો વિસ્તાર. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પંજાબનો અડધાથી વધારે વિસ્તાર પાકિસ્તાનમાં ચાલ્યો ગયો એ વિસ્તારમાં આજે પણ ‘ગુજરાવાલા’ અને ‘ગુજરાત’ – નામે જીલ્લાઓ અસ્તિત્વમાં છે. અને ઉપર નોંધ્યા મુજબ ‘ભરતખંડ’ નો વિસ્તાર પશ્ચિમ દિશામાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલો હતો. જેમાં પાકિસ્તાન અને ભારત સહિતનો સમાવેશ થઇ જાય છે.)
આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે થોડીક પ્રાચીન ભૂમિકાનું અનુસંધાન જોઈએ શ્રી રામચંદ્રજીના સંતાન ‘લવ’ એ ‘લવપુર’ (હાલનું લાહોર) વસાવેલું અને ‘કુશ’ એ ‘કુશાવતી’(હાલનું પટ્ટણા) નગર વસાવેલું, એજ અરસામાં લક્ષ્મણે ‘લક્ષ્મણાવતી’ (હાલનું લખનઉ) નગર વસાવેલું – ભૌગોલિક રીતે આ શહેરો પર દૃષ્ટિપાત કરતા સમજાય છે કે ‘લાહોર’ પાકિસ્તાન, ‘પટ્ટણા’ બિહાર અને ‘લખનઉ’ ઉત્તરપ્રદેશ નો ભાગ છે. ઉપર નોંધ્યા મુજબ કુર્મીઓ બિહાર અને બંગાળ સુધી વિસ્તરેલા અને આ કૂર્મી કે કણબીઓ ‘લવપુર’(લાહોર) અને ‘કુશાવતી’(પટ્ટણા)માં ઘણો લાંબો સમય સુધી સુખરૂપ જીવન વીતાવેલું તેથી એક ખોટી માન્યતા જન્મી કે ‘લવ’ પરથી ‘લેઉવા’ અને ‘કુશ’ પરથી ‘કડવા’ – પાટીદારોની ઉત્પત્તિ થઇ. આ માન્યતા તદ્દન ખોટી પુરવાર થઇ છે.
તો પછી પશ્ન એ થાય કે, ‘લેવા’ અને ‘કડવા’ પાટીદારો એવા બે વિભાગ કેવી રીતે પડ્યા? આ વખતે સમજવા માટે થોડા પાછળ જઈએ તો ઉપર નોંધ્યા મુજબ પંજાબ (હાલ ના પાકિસ્તાન)માં આવેલા ‘ગુજરાવાલા’ પ્રાંત માં ‘કરડા’ કે ‘કરડવા’ અને ‘લેયા’ – એવા બે વિસ્તારોમાંથી કણબીઓ હાલના ગુજરાતમાં આવેલા. એટલે કે ‘કરડા કે કરડવા’ પ્રદેશમાંથી આવેલા કણબીઓ ‘કડવા પાટીદાર’ તરીકે ઓળખવા લાગ્યા અને ‘લેયા’ પ્રદેશમાંથી આવેલા કણબીઓ ‘લેઉઆ કે લેવા પાટીદારો’ તરીકે ઓળખાયા.
કણબીઓ ચરોતર અને મહારાષ્ટ્રમાં ખાનદેશ સુધી -
ઉપરોક્ત ચર્ચાથી આપણે મૂળ કૂર્મીઓના ઉદભવ તથા કૂર્મી માંથી કણબી કેવી રીતે થયા એ હકીકત સ્પષ્ટ થાય થાય છે.
ઈ.સ. પૂર્વે ૬૦૦ આસપાસ ઈરાનનો એલેમેનિયન વંશનો સ્થાપક ડાયરસ પંજાબ પર ચઢાઈ કરી ઘણું ધન લૂંટી ગયો. ઘણા લશ્કરી સિપાઈઓને ગુલામ બનાવી ઈરાન બનાવી ગયો. ઈ.સ. પૂર્વે ૩૨૬ આસપાસ ગ્રીસમાંથી સિકંદરે આવી પંજાબ પર ચઢાઈ કરી. ઈ.સ.પૂર્વે ૩૦૦ માં બલ્ક (બાકટ્ટીયા)ના લોકોએ પંજાબ પર ચઢાઈ કરી. અને છેલ્લે ‘તાતાર’ ‘હૂણ’ અને ‘શક’ પ્રજાએ પંજાબ પર આક્રમણો કર્યા- આ ઐતિહાસિક ક્રમ એટલા માટે જણાવું છું કે કુર્મી પ્રજાને આ આક્રમણોથી બચવા પંજાબ વિસ્તાર છોડવો પડ્યો. એટલે કે ઈ.સ.પૂર્વે ૬૦૦ થી ઈ.સ. ૨૦૦ ના ગાળામાં જુદાં-જુદાં સમયે અને જુદી-જુદી ટોળીઓમાં કૂર્મીઓ ગુજરાતમાં પ્રવેશે છે. તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત(વડનગર)પ્રદેશ સુધી પહોંચે છે. ત્યાંથી તેઓ ઊંંઝા, સિદ્ધપુર, પાટણ વગેરે વિસ્તારોમાં ફેલાયા. આ કૂર્મીઓ મોટેભાગે ‘કરડ-કરડવા’ વિસ્તારમાંથી આવેલા કડવા પાટીદારો તરીકે ઓળખાયેલા કણબીઓ હતા.
જયારે ‘લેયા’ પ્રાંતમાંથી નીકળેલા કૂર્મીઓ (લેઉઆ પાટીદારો) અજમેર, મારવાડ, જયપુર, ભિન્નમાલ, અડાલજ સુધી પહોંચે છે. અહી તેમની વસતી વધતા તેઓ ત્યાંથી દક્ષિણ તરફ સ્થળાંતર કરે છે ને, ‘ચરોતર’, ‘ભાલ’ ‘વાકળ’ અને ‘કાનમ’, ‘કઠલાલ’, ‘કપડવંજ’ તથા ચાંપાનેર(પાવાગઢ) સુધી વિસ્તરે છે અને ત્યાંથી ગુજરાતના ગામડે ગામડે ફેલાયા. ચરોતરમાંથી નીકળી કેટલાક લેઉઆ પાટીદારો વડોદરા ભરૂચ, સુરત, વલસાડ સુધી પહોંચે છે. જેમાંથી કેટલાક સલામત અને ફળદ્રુપ ભૂમિની શોધમાં કે અન્ય કારણોસર (વહીવંચા બારોટના (ભાટ)ના ચોપડા મુજબ વડોદરાના ગાયકવાડ દ્વારા નિઝર પ્રાંતનું કારભારું સોંપવાથી પ્રથમ નિઝર અને ત્યાંથી પણ આગળ પૂર્વ-પશ્ચિમ ખાનદેશ, વિદર્ભ આદિ વિસ્તારો સુધી વિસ્તર્યા હોવાનું જાણવા મળે છે.) નિઝર અને તેથી પણ આગળ પૂર્વ-પશ્ચિમ ખાનદેશ અને વિદર્ભ સુધી પહોંચ્યા.
પરંતુ વહીવંચા બારોટ(ભાટ)ના ચોપડાઓને અંતિમ સત્ય માની શકાય એમ નથી કારણકે વહીવંચાઓના ચોપડાઓ ઈ.સ.૧૩૦૦ પછી લખવાના શરૂ થયા જયારે લેઉઆ પાટીદારો ચરોતરમાં પ્રવેશે છે તે સમયગાળો ઈ.સ. પૂર્વે ૨૦૦ આસપાસનો છે. ત્યાં તેઓ થોડો સમય રહ્યા પછી નિઝર તરફ સ્થળાંતર કર્યું હોય, તો તેમના ચરોતરમાંથી નિઝર તરફ સ્થળાંતરનો સમયગાળો લગભગ ઈ.સ.ના પ્રારંભ (ઈ.સ.૦૧ થઈ ૦૫) પછી કર્યું હોય તો વહીવંચાઓના ચોપડામાં નોંધાયેલી વિગતો સાથે આ બાબત બંધબેસતી નથી.
પટેલ અને પાટીદાર શબ્દની યુત્પત્તિ -
આગળ ચર્ચા કરી તે મુજબ કૂર્મી પ્રજા એટલે લેઉઆ અને કડવા પાટીદારો મૂળ કૂર્મીપ્રજા (કાશ્યપ કુળ)માંથી ઉત્પન્ન થયેલા અને કૂર્મીમાંથી કણબી થયા. હવે આ આ કણબીમાંથી પાટીદાર કે પટેલ તરીકે કેવી રીતે ઓળખાયા તે જોઈએ. મંગુભાઈ પટેલ તથા દેવેન્દ્ર પટેલ લખે છે તેમ ગુજરાતમાં પટેલ શબ્દની શરૂઆત લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે થઇ. મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં ખેડા જિલ્લાના પીંપળાવ ગામના વીર વસનદાસ નામે એક પટેલ હતા. તેમનો મોગલ બાદશાહ ઔરંગઝેબ સાથે સારો સબંધ હતો, તેમને ધોલકા, માનાર અને પેટલાદ તાલુકાનું મહેસુલ ઉઘરાવાનો ઈજારો મળ્યો હતો. તેમને સંવત ૧૭૩૯(ઈ.સ.૧૭૦૩)માં પીંપળાવમાં સમસ્ત કણબી કોમનો એક મેળાવડો (સમાજ ભેગો થયો) યોજ્યો. આ મેળાવડામાં ઔરંગઝેબના શાહજાદા બહાદુરશાહને આમંત્રણ આપ્યું અને બાદશાહના દફતરમાં કણબી ને બદલે “પાટીદાર” શબ્દ દાખલ કરાવ્યો.
પાટીદાર શબ્દ નો અર્થ નીચે મુજબ છે :-
પાટીદાર= પત્તિદાર = પટ્ટાદાર = જમીનદાર
પાટી = જમીનદાર હોવું = પાટીદાર એટલે જેની પાસે જમીન હોય તે. અર્થાત પાટીદારનો અર્થ જમીન ધારક એવો થાય છે.
પાટી = જમીન, દાર = ધરણ કરનાર- પાટી એ મૂળ સંસ્કૃતમાંથી ઉતરી આવેલો અપભ્રંશ શબ્દ છે. ‘દાર’ એ ‘ઈરાની’ ભાષાના ‘દાસ્તન’ શબ્દ પરથી બનેલો શબ્દ છે. ‘દાર’ એટલે ધારણ કરવું એ ક્રિયાપદનું આજ્ઞાર્થ રૂપ છે.
ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ.૧૪૧૨ થી ૧૫૭૩ આસપાસ) ગામડાઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખીઓની નિમણૂંકો થતી જેમાં પાટીદારોની નિમણૂંક થતી. ‘મુખી’ એટલે ‘મુખત્યાર’, ‘નેતા’,કે ‘આગેવાન’(જેના પરથી કુલમુખત્યાર શબ્દ આવ્યો.) ‘મુખી’ માટે માનવાચક શબ્દ; પટલિક, અક્ષપટલિક કે, અક્ષપટલ – જેવા શબ્દો હતા.જેનો અપભ્રંશ થતાં ‘પટેલ’ શબ્દ અસિતત્વમાં આવ્યો. ધીરે ધીરે પાટીદારોની અટક બની ગયો. ઈ.સ.૧૪૦૦ પછી કણબીઓ પટેલ તરીકે ઓળખાવા લાગ્યા.
કણબી , પાટીદાર, ગુર્જરો
આ મુદ્દો ઘણો મહત્વનો છે, સાથો સાથ ઘણો અગત્યનો પણ છે. આજે ‘નિઝર, નંદુરબાર, શાહદા, ધુલિયા, ખેતીયા, સેદવા (મધ્યપ્રદેશ) સુધીના કેટલાક ભાગોમાં વસતા પાટીદારો (કણબીઓ કે લેઉઆ પાટીદારો) ની અટક પાટીલ, ચોધરી વગેરે છે. પરંતુ તેઓ પોતાની ઓળખ ગુજર કે ગુર્જર પાટીદાર તરીકે કરાવે છે. ખરેખર ગુજર – જેવો કોઈ શબ્દ જ પાટીદારો માટે ક્યાંય વપરાયો નથી. પરંતુ પ્રાચીન સમયમાં તે મુજબ પંજાબ (હાલના પાકિસ્તાનનો ભાગ) માં ‘લેયા’ પ્રાંતમાં કૂર્મી પ્રજા તરીકે વિખ્યાત હતા. (જે તે સમયે ત્યાંથી સ્થળાંતર થઈ ગુજરાતમાં ઊંંઝા, પાટણ, સિદ્ધપુર આદિ સ્થળોએ વસવાટ કરે છે અને સમયાંતરે ત્યાંથી ચરોતર અને ત્યાંથી પણ આગળ નિઝર, નંદુરબાર, શાહદા, ધુલિયા, ખાનદેશ વગેરે વિસ્તારો સુધી ફેલાયા) તે બન્ને ‘કરડા’ અને ‘લેયા’ પ્રાંત ‘ગુજરાવાલા’ વિસ્તારના છે. આજે પણ પંજાબ (પાકિસ્તાનનો ભાગ) માં ‘ગુજરાવાલા’ અને ‘ગુજરાત’ – નામે જિલ્લાઓ અસ્તિતત્વમાં છે. મારા સંશોધનના આધારે કહી શકાય કે આ ‘ગુજરાવાલા’ પ્રાંતમાંથી સ્થળાંતરીત થયેલા ‘કણબીઓ’ – ‘ગુર્જરો’ કહેવાયા હોય, કેમ કે કણબીઓ માટે અનેક સ્થાને ‘ગુર્જરો’ – શબ્દ પ્રયોગ થયો છે અને પ્રસિદ્ધ પણ થયો છે. શક્ય છે કે,આ લેઉઆ કણબી પાટીદારો એ પ્રાંતમાંથી આવ્યા એટલે અસલ વતનની સાખ (ઓળખ) જાળવી રાખવા ‘ગુર્જર’ શબ્દ (જ્ઞાતિ માટે) નો પ્રયોગ ચાલુ રહ્યો હોય અને કાળક્રમે ‘ગુર્જર’ શબ્દનો અપભ્રંશ થતાં “ગુજર” – અસ્તિતત્વમાં આવ્યો હોય કેમ કે, ‘ગુર્જર’ – મૂળ સંસ્કૃત શબ્દ છે તેની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ છે….. गुर्जर – गुज्जर – गुजर – આ વાતનું સમર્થન કરે તેવા ધણા પુરાવાઓ મળે છે. જુઓ…
1. “The Main Gurjar Underlayer are the levas and kar dvas, the two leading divisions of important class of Gujarat kunbis.” અર્થાત “ ગુજરાતમાં આવી વસેલા ગુર્જરોનો મુખ્ય ભાગ ‘કડવા’ અને ‘લેઉઆ’છે, જેઓ ગુજરાતની કણબી જાતિના બે મહત્વના આગેવાન વિભાગ છે.” (બોમ્બે ગવર્મેન્ટ ગેઝિટીઅર વો.૧ ભાગ -૧ પાના નં. ૦૪)
2. “That the Gujarat kunbis are gujjars is supported by the similarity between the share hold tenures in panjab gurgar villages and the bhagdar and narcoadav tenures in kunbivillge in kaira.” અર્થાત “પંજાબમાં ગુર્જર ગામડામાં ચાલતી ભાગીદારી પદ્ધતિ અને ખેડામાં ચાલતી ભાગીદારી અને નરવા પદ્ધતિ વચ્ચે સામ્ય, ગુજરાતના કણબી ગુજ્જર છે એ વાતને પૃષ્ટિ આપે છે.” (બોમ્બે ગવર્મેન્ટ ગેઝિટીઅર ભાગ -૧ પાના નં.૯, ૪૯૧)
૩. “ઈ.સ.પૂર્વે ૭૮ ની આસપાસ ‘ગુજરાવાલા’ પ્રદેશના ‘ગુર્જરો’ની એક મોટી વસ્તીએ દેશ છોડ્યો અને મથુરા સુધી ફેલાયા ત્યાંથી ક્રમે ક્રમે આનર્ત (વડનગર) સુધી આવ્યા. (બોબ્બે ગવર્મેન્ટ ગેઝિટીઅર વો.૧)
ઉપર ના આધારોથી એમ સમજાય છે કે, ‘કણબીઓ’ ‘પાટીદારો’ અને ‘ગુર્જરો’ એક જ જાતિ માટે વપરાયેલ સંજ્ઞા (શબ્દ) છે. એ અર્થમાં જોઈએ તો ‘ગુજર’ – જેવો કોઈ શબ્દ કે જાતિ (જ્ઞાતિ) છે જ નહીં. આ વાત ઉપરથી એટલું અવશ્ય સ્પષ્ટ થાય છે કે ઉપરોક્ત વિસ્તારોમાં (નિઝર, નંદુરબાર, ધુલિયા વગેરે) રહેતી પ્રજા ‘હિંદુ લેઉઆ પાટીદારો’ છે. અને‘ગુજરાવાલા’ (પંજાબ) પ્રાંતમાંથી વિવિધ સ્થળે સ્થળાંતરીત થઈને આવી છે માટે પોતાની મૂળ સાખ (ઓળખ) જાળવવા માટે ‘ગુર્જર’ (હિંદુ લેઉઆ ગુર્જર પાટીદારો) શબ્દનો પ્રયોગ થતો રહ્યો છે.
કૂર્મી-કણબી-પાટીદારો વિવિધ રાજ્યોમાં -
કૂર્મીઓ ભારત વર્ષમાં ફેલાયેલા છે,પરંતુ પ્રત્યેક પ્રાંત પ્રમાણે તેમની ભાષા-બોલ ચાલની રીત- રિવાજોમાં થોડા ઘણા અંશે ફેરફારો થયા છે. તથા તેમની ‘અટકો’ માં જુદાપણું છે પરંતુ તેઓ મૂળ તો કુર્મી-કણબીઓ જ છે. મહારાષ્ટ્રમાં મરાઠા સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ પોતે કૂર્મી હતા. સતારા અને ગ્વાલિયરના રાજા પણ કૂર્મીના વંશજ હતા. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં નાગ વિદર્ભ, ખાનદેશ, કોંકણ મરાઠાવાડામાં વસતા કૂર્મીઓને ‘કુનબી’, ‘કુલંબી’ કે ‘કુણબી’ ‘લેવા કણબી’- નામથી ઓળખવામાં આવે છે. ‘મરાઠા દેશમુખ પાટીલ’ તરીકે ઓળખાતા સહુ કૂર્મીઓના જ વંશજ છે.
(સંદર્ભ)
૧. “શિવાજી અને ગ્વાલિયર પર તેમજ સતારાના રાજાઓ કણબી વંશ માંથી ઉતરી આવેલા હતા” (હન્ટર્સ સ્ટેટીસ્ટીકલ એકાઉન્ટ ઓફ બેન્ગાલ-ભા-૧૧મો –અંગ્રેજ ઇતિહાસકાર )
૨. “ગ્વાલિયર ના સિંધિયા,સતારાના રાજા અને નાગપુરના ભોંસલે કણબીઓ હતા અથવા તેના જેવા હતા. મિ.કેમ્પબેલે દર્શાવ્યું છે કે મરાઠાનું મૂળ ‘કૂર્મી’ તત્વમાંથી હતું અને શિવાજી તથા તેના ઘણા સરદારો કણબી હતા” (કોર્નેગીઝ રેસીઝ ટ્રાઈલ્ઝ એન્ડ કાસ્ટસ ઓફ આઊધ-અંગ્રેજી ઈતિહાસ) તેવી જ રીતે ભારતના અલગ-અલગ પ્રાંતોમાં કૂર્મીઓની વસતી આજે પણ એટલી જ છે પરંતુ વિસ્તાર પ્રમાણે તેમની અટકો જુદી-જુદી જોવા મળે છે. પછી તે ઝારખંડ, બંગાળ, ઉત્તરપ્રદેશ, બિહાર, બુંદેલખંડ, છત્રીસગઢ, મધ્યપ્રદેશ, ઉડિસા, આસામ, આંધ્રપ્રદેશ, કર્ણાટક હોય સમગ્ર ભારત વર્ષમાં કૂર્મીઓ – કણબીઓ વસે છે. )
(પાટીદારોના ઉદભવ અને વિકાસ વિશેનો આજે પ્રસ્તુત સંશોધન લેખ શામળદાસ આર્ટ્સ કૉલેજ, એમ. કે. યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક પ્રો. ડૉ. વિશ્વનાથ પટેલ દ્વારા રીડગુજરાતીને પાઠવવામાં આવ્યો હતો એ બદલ ડૉ. પટેલનો આભાર તથા શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે vlp.india@ymail.com પર અથવા તેમના મોબાઈલ નંબર 9662549400 પર કરી શકાય છે.)