Sunday, May 4, 2014

જીવન જીવવાની જડીબુટ્ટી

જીવન જીવવાની જડીબુટ્ટી,

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો 
અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું 
સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.

૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.

૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.

૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.

કામની કિંમત,ઇશ્વરનું અસ્તિત્વ

• કામની કિંમત

          નાનકડા રજવાડા પર પડોશના મોટા સામ્રાજયે ચડાઈ કરી. રજવાડું હારી ગયું. તેના રાજાની કતલ થઈ, પણ રાજાનાં સંતાનોને વફાદાર નોકરોએ બચાવી લીધાં. સંતાનોને જુદાં જુદાં સ્‍થળે મૂકી આવવાની નોકરોએ વ્‍યવસ્‍થા કરી. રાજાની સૌથી નાની દીકરીને વફાદાર દાસી ગામડાના એક ખેડૂતને ત્‍યાં મૂકી આવી. પછી તે દાસી વનમાં ચાલી ગઈ. રાજાની દીકરી ખેડૂતને ત્‍યાં ખેડૂતની દીકરી તરીકે ઊછરીને મોટી થઈ. એ પોતાને ખેડૂતની દીકરી જ માનતી અને એ પ્રમાણે જ કામ કરતીઃ ઘાસ વાઢતી, નીંદામણ કરતી, ધાન લણતી, શાકભાજી- પાલો અને ફળફૂલ ચૂંટતી. 
          વર્ષો પછી પેલી દાસી વનમાંથી પાછી ખેડૂતને ત્‍યાં આવી તેણે જોયું કે રાજાની દીકરી પોતાને ખેડૂતની દીકરી માની ખેતીનાં કામો કેરે છે. વૃધ્‍ધ થઈ ગયેલી દાસીએ છોકરીને પૂછયું, ‘‘બહેન, તું જાણે છે કે તું કોણ છે?’’ 
          છોકરીએ જવાબ આપ્‍યો, ‘‘હું ખેડુતની છોકરી છું અને ખેતીનાં બધાં કામ કરું છું.’’
          વૃધ્‍ધા બોલીઃ ‘‘ નહીં, નહીં, એ સાચું નથી. તું ખેડૂતની દીકરી નથી. તું તો રાજાની કુંવરી છે.’’ વૃધ્‍ધાએ છોકરીને માંડીને બધી વાત કરી. તે પછી વૃધ્‍ધા પાછી વનમાં ચાલી ગઈ.
          આ ઘટના પછી છોકરી કામ તો એનું એ જ કરતી રહી, પણ એના કામમાં હવે નવા પ્રકારનું ડહાપણ હતું. પોતે રાજાની કુંવરી છે એ જાણ્‍યા પછી એ ગૌરવપૂર્વક કામ કરતી થઈ હતી. તેનું માથું ઉન્‍નત રહેતું અને એની આંખમાં નવી ચમક આવી.
          પોતાનો સાચો મોભો જાણ્‍યા પછી કામ ભલે એને એ જ કરતા રહીએ, પણ એ કામમાં આનંદનો અનુભવ થાય છે.
          આપણે વેઠિયા છીએ એમ સમજી કામ કરતા રહીએ ત્‍યારે કામનો ભાર લાગે છે, કામમાં આનંદ મળતો નથી.
          જયારે જ્ઞાન થાય કે આપણે સૌ ઈશ્વરનાં સંતાન છીએ, રાજાઓના રાજાની પ્રજા છીએ ત્‍યારે આપણી અને આપણા કામની કિંમત સમજાય છે.
કોઈ કામ મોટું નથી ને કોઈ નાનું નથી. ઈશ્વરે જે સામાજિક સ્‍થાન અને મોભો આપ્‍યો છે તે પ્રમાણે કામ કરવાનું છે.
          આપણી લાયકાત અને સ્‍વધર્મ પ્રમાણે કામ કરતાં રહીએ એમાં ગૌરવ અને આનંદ છે.


• ઇશ્વરનું અસ્તિત્વ

          પૂરણચંદને ઈશ્વરદર્શન માટે ભારે ધગશ હતી. સાધના કરાવવા તેણે ગુરુને બહુ આજીજી કરી. ગુરુએ પૂરણચંદને રૂપાળી નાની નારાયણની મૂર્તિ આપી. નારાયણમંત્ર પણ આપ્‍યો. ગુરુએ પૂરણચંદને શીખ આપી, ‘‘દરરોજ મૂર્તિ સામે બેસી નારાયણમંત્રના જાપ જપજે. નારાયણ પ્રસન્‍ન થશે.’’ પૂરણચંદે રોજ સવારે નારાયણની મૂર્તિ સમક્ષ બેસી નારાયણમંત્રના જાપ જપવા માંડ્યા, છ મહિના વીતી ગયા, પણ સાધનાથી કંઈ વળ્યું નહીં. પૂરણચંદને ઈશ્વરની કોઈ પ્રતીતિ થઈ નહીં. એ ગુરુ પાસે ગયો ને ફરિયાદ કરી, ‘‘છ મહિનાથી બરાબર નિયમિત જાપ કરું છું, પણ કોઈ પરિણામ નથી. હું તો કંટાળ્યો છું.’’
          ગુરુએ પૂરણચંદને શિવની મૂર્તિ આપીને કહ્યું કે રોજ શિવમંત્રના જાપ કર. શિવમંત્ર પણ શીખવાડ્યો. ગુરુએ કહ્યું, ‘‘શિવ ભોળા ગણાય છે. વહેલા પ્રસન્‍ન થાય છે.’’ પૂરણચંદે ઘરે જઈ નારાયણની મૂર્તિ અભરાઈએ ચડાવી દીધી અને શિવમંત્રના નિયમિત જાપ કરવા માંડ્યા. છ મહિના વીતી ગયા, પણ કોઈ પરિણામ ન મળ્યું. પૂરણચંદ પાછો ગુરુ પાસે પહોંચ્‍યો અને ફરિયાદ કરી. ગુરુજીને એણે એવી વિનંતી કરી. ‘‘મારી પરીક્ષા ન કરો ગુરુજી, મહેરબાની કરી મને એવો મંત્ર આપો કે દેવ મારા પર ઝટ રીઝે.’’
          ગુરુએ જોયું કે ભકત બેબાકળો થયો છે. લગની છે પણ પ્રબુધ્‍ધતા આવી નથી. ગુરુએ આ વખતે કાલીમાઈની મૂર્તિ આપી, દેવીમંત્ર શીખવ્‍યો અને બરાબર જાપ કરવા કહ્યું. પૂરણચંદ ઘરે ગયો. શિવની મૂર્તિને નારાયણની મૂર્તિની બાજુમાં અભરાઈ પર મૂકી દીધી. પૂજાસ્‍થાને દેવીની સ્‍થાપના કરી. દેવીની પૂજા કરી. દીવો કર્યો અને દેવીને પ્રિય એવી અગરબત્તી પણ પેટાવી.
પૂરણચંદે જોયું કે અગરબત્તીનો સુગંધી ધુમાડો ઉપર જતો હતો અને છેક અભરાઈ પર શિવની મૂર્તિ સુધી પહોંચતો હતો. પૂરણચંદ ચિડાયો. શિવને ધુમાડાની સુંગધ લેવાનો શો અધિકાર હતો ? એમણે તો જરાય કૃપા નહોતી કરી. એણે શિવની મૂર્તિ અભરાઈએથી ઉતારી એના નાકમાં રૂ ખોસ્‍યું જેથી શિવને સુગંધ ન મળે. તરત શિવ પ્રગટ થયા અને પૂરણમચંદને આશીર્વાદ આપવા માંડ્યા. પૂરણચંદને આશ્ચર્ય થયું, એણે કહ્યું, ‘‘શિવજી, તમારા જાપ કર્યા ત્‍યારે તમે પ્રસન્‍ન ન થયા અને હવે એકાએક કેમ પ્રસન્‍ન થયા? ’’
         શિવે જવાબ આપ્‍યો, ‘‘વત્‍સ, તું મને ચેતન વગરની જડ મૂર્તિ માની જાપ જપતો હતો. તેથી હું પ્રસન્‍ન ન થયો, પણ જેવો તે મને ચેતનવંતો માન્‍યો કે હું પ્રસન્‍ન!’’
ચેતનવંત અસ્તિત્‍વ માની ઈશ્વરને જપીએ તો જ જપ ને પૂજા પહોંચે.